hk24news February 11, 2020

ગોધરા, મંગળવારઃ પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયતની આરોગ્ય સોસાયટી દ્વારા જિલ્લાના 67,893 નાગરિકોની આરોગ્ય ચકાસણી કરી બહારના દર્દી (OPD) તરીકે નિદાન અને સારવાર કરી સંવેદનાસભર કામગીરી કરવામાં આવી છે. દિવસ દરમિયાન મોટાભાગે નાગરિકો પોતાના ધંધા-રોજગાર કે મજૂરી અર્થે વ્યસ્ત હોવાથી પોતાની શારીરીક કે માનસિક તકલીફોના નિદાન – સારવાર માટે સમય ફાળવી શકતા ન હોવાથી આવા નાગરિકો માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહની સૂચના, માર્ગદર્શન અને સીધી રાહબરી હેઠળ આ રાત્રિ OPD શરૂ કરવામાં આવી છે.
આ રાત્રિ OPDની શરૂઆત જિલ્લામાં ડિસેમ્બર-2018 થી કરવામાં આવી છે. જેમાં વિવિધ રોગો, બાળરોગો, અસાધ્ય રોગો, સગર્ભા માતાઓની સંભાળ જેવી બાબતો આવરી તપાસ સાથે આરોગ્યની લોકજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના 56 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અત્યાર સુધી 1719 રાત્રી ઓપીડી સફળતાપૂર્વક યોજાઈ છે. જેમાં તાવ, શરદી, ખાંસી, મેલેરીયા, ટાઈફોઈડ જેવા રોગોના દર્દીઓ ઉપરાંત ડાયાબીટીસના 100, બ્લડ પ્રેશરના 88, ચામડીના 104, શંકાસ્પદ ટી.બી.ના 19, માનસિક અને મગજના 11 દર્દીઓ સાથે 1,040 જેટલી જોખમી માતાઓની સફળ સારવાર કરવામાં આવી છે. આ ઉપરાંત, જરૂર જણાતા 380 જેટલા દર્દીઓને આગળની સારવાર માટે રિફર પણ કરવામાં આવ્યા હતા.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat