hk24news February 11, 2020

ગોધરા, મંગળવારઃ પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના તમામ લાભાર્થી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)નો લાભ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા એક ખાસ ઝુંબેશ યોજાઈ રહી છે. આ ઝુંબેશ સંદર્ભે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે ઝુંબેશનો હેતુ પીએમ કિસાન યોજનાના તમામ ખેડૂત ખાતેદારોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના લાભ હેઠળ આવરી લેવાનો છે. તેમણે જણાવ્યું હતું કે નવા દિશા નિર્દેશો અનુસાર પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ ઉપરાંત પશુપાલકો અને માછીમારોને પણ કેસીસીનો લાભ મળવાપાત્ર થશે. પીએમ કિસાનના એક ખાતા હેઠળ પરિવારના એક થી વધુ લાભાર્થી હશે તો એ તમામને અલાયદા કેસીસી મળવાપાત્ર છે તેમ જણાવતા જિલ્લા સમાહર્તાશ્રીએ જણાવ્યું હતું કે હાલના ખાતેદારો ખેતી સાથે પશુપાલન અને અથવા માછીમારી કરતા હશે, તો આ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ઉમેરીને એમના કાર્ડની ધિરાણ મર્યાદા નવેસરથી નિર્ધારિત કરાશે. તેમણે ખેડૂત લાભાર્થીઓને આ ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે ઉપલબ્ધ કરાવાયેલ સરળીકૃત ફોર્મ ભરી નજીકની બેન્ક શાખાનો સંપર્ક કરવા અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બેન્કોને કલસ્ટક કક્ષાએ કેમ્પો કરી પીએમ-કિસાન લાભાર્થીઓની સૂચિ તૈયાર કરવા અને તે પૈકીના જેમની પાસે કિસાન ક્રેડીટ કાર્ડ-કેસીસી નથી તેમની યાદી તૈયાર કરી લાભાર્થી ખેડૂતોને યોજના અન્વયે કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું આયોજન છે.

     જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે જણાવ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ હાલમાં પંચમહાલ જિલ્લાના 1,71,423 જેટલા ખેડૂત ખાતેદારોને દર ચાર મહિને રૂ. 2000/- પ્રમાણે વાર્ષિક રૂ.6,000/-ની સહાય આપવામાં આવી રહી છે. આ પૈકીના 69,020 ખેડૂતો પાસે કેસીસી છે. આ ઝુંબેશ હેઠળ બાકીના 1,02,403 ખાતેદારોને કેસીસી આપવાના થાય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે તા.૨૩મી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ઝુંબેશ હેઠળ જિલ્લાના ગ્રામસેવક, તલાટી, વિસીઈ તેમજ કૃષિ અને આત્મા કચેરીના અધિકારીઓને  કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં ખેડૂતોને મદદરૂપ બનવા સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લાની સંબંધિત ગ્રામ પંચાયત કચેરીનું કોમન સર્વિસ સેન્ટર (CSC) પણ જરૂરીયાતમંદ ખેડૂતને કેસીસીનું ફોર્મ ડાઉનલોડ કરવાથી લઇને તેની જરૂરી વિગતો ભરવી વગેરે જેવી કામગીરીમાં સહાયરૂપ બનશે.  

આ કિસાન ક્રેડિટ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક પાનાનું સરળ નિયત નમૂનાનું અરજીપત્રક વેબસાઇટ www.agricoop.gov.in તેમજ www.pmkisan.gov.in પર ઉપલબ્ધ છે અને ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. પ્રધાનમંત્રી કિસાન યોજનાના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ–કેસીસી માટે સ્વતઃ મંજૂરી આપવામાં આવી છે. આ ક્રેડિટ કાર્ડનો પંચમહાલ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.
————૦૦૦૦૦૦૦૦૦———–

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat