hk24news January 13, 2020

ગોધરા, સોમવારઃ સામાન્ય નાગરિકો ટ્રાફિકના નિયમોથી અવગત થાય, જાગૃતિ વધે અને અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થાય તેવા હેતુસર પંચમહાલ જિલ્લામાં ૩૧મા માર્ગ સલામતી સપ્તાહનો જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક, વાહન વ્યવહાર ગોધરા કચેરીના અધિકારી શ્રી ડી.એચ.યાદવ અને મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા સમારોહના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, આ સપ્તાહની ઉજવણી કરીને આપણે સૌ જિલ્લામાં ટ્રાફિકની સુચારૂં વ્યવસ્થાને ઉભી કરીએ. ટ્રાફિકના નિયમોને યોગ્ય રીતે અનુસરીને આપણે આપણા સમય, નાણા અને મહામૂલી જિંદગીને બચાવી શકીએ છીએ. ટ્રાફિકના નિયમોના ભંગથી આપણે આપણા અને સાથે સામાવાળાને પણ જોખમમાં મૂકીએ છીએ જેથી બંને પક્ષને ઘણીવાર ન પુરી શકાય તેવું નુકશાન થતું હોય છે. આ સપ્તાહ દરમિયાન ટ્રાફિક સુધારણામાં જિલ્લાના નાગરિકોના સૂચનો આવકાર્ય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતુ.
ટરફિકના નિયમોના પાલનની શરૂઆત આપણે આપણાથી, આપણા ઘરથી કરવી જોઇએ તેમ ભારપૂર્વક જણાવતા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે કહ્યું હતું કે માર્ગ સલામતીના આ સપ્તાહ દરમિયાન દરેક નાગરિકે સલામતીના નિયમોથી પુરેપુરા અવગત થવું જોઇએ. આજે ગુનાઓના અડધો-અડધ કિસ્સા માર્ગ અકસ્માતના બને છે. જે નિવારવા આપણા હાથની વાત છે. ટ્રાફિકના નિયમોની જાણકારી આજે ઇન્ટરનેટ-યુ ટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર સરળતાથી મળી રહે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણે સૌ સંવાદિતા વધારીએ, અનુસાશન વધારીએ અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડીએ તેમ વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ.
જિલ્લાના રોડ ટ્રાન્સપોર્ટ અધિકારી શ્રી ડી.એચ.યાદવે સમારોહમાં ઉપસ્થિત સહુનું શાબ્દિક સ્વાગત કરતાં માર્ગ સલામતી સપ્તાહનો હેતુ અને અગત્યતા જણાવતા કહ્યું હતું કે નાગરિકોમાં માર્ગ સલામતીના નિયમોની જાગૃતિ વધે અને સંવેદનશીલતા કેળવાય તે માટે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતિ કેળવવામાં આવે છે અને અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થાય તે માટે સામુહિક સંકલ્પના ઉભી કરવામાં આવે છે.
સપ્તાહ દરમિયાન દ્વિચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરે, ફોર વ્હીલ ચાલકો સીટબેલ્ટ બાંધે, ગતિ મર્યાદામાં વાહન હંકારે, રોંગ સાઇડ વાહન ન હંકારે, ખોટુ ઓવરટેકીંગ ન કરે, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરે, સગીર વયના બાળકોને વાલીઓ વાહન હંકારવા ન આપે જેવી બાબતો અંગે પણ આ સમારોહમાં ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ ટ્રાફિકના નિયમોને અનુસરવા અને માર્ગ અકસ્માતો ઘટાડવાના શપથ લીધા હતાં.
સમારોહની આભાર વિધિ મોટર વાહન નિરિક્ષક શ્રી આર.બી.લોઢાએ કરી હતી.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat